Varishta  વરિષ્ટ
Dedicated to increasing awareness about dementia and mobilising support for those affected.

ગુજરાતીમાં ડિમેન્શિયા વિષે માહીતી મેળવવાનું એકજ સ્થાન
  • Varishta
  • Dementia
    • Alzheimers
  • Blog
  • વરિષ્ટ
  • ડિમેન્શિયા
    • અલ્ઝાઈમર્સ
    • લક્ષણોનું નિયમન
  • ગુજરાતી બ્લોગ
  • About
    • Founder
  • Contact
  • Events
  • Book

યાદોં કી બારાત... "જાને દો યાર, - I love you..."

19/9/2019

0 Comments

 
Picture
ઘણી વાર ડિમેન્શિયામાં વ્યક્તિની વર્તણૂક શરમજનક, વિક્ષેપ કારક લાગે. એ નાપસંદ હોઈ શકે, પણ શું એ ખરેખર સમસ્યા છે? સમસ્યા ત્યારે થાય જો તેનું પ્રતિકૂળ પરિણામ આવી શકે છે. ઉદાહરણ તરીકે: શું તેઓ પોતાને અથવા અન્યને નુકશાન પહોંચાડી શકે છે? જો આવું ના હોય તો નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરવો નહીં.

સમસ્યા વાળા વર્તનમાં બીજાને અથવા પોતાને હાની નુકશાન થાય તેનો સમાવેશ થાય. પણ ઘણી વાર આપણને ના ગમે તેવુ વર્તન થાય તો તેને પણ અપને સમસ્યા માની લઈએ છે. “મમ્મી આખો દિવસ કપડાની ઘડી કર્યા કરે છે.” - વિચારો, આ ખરેખર તકલીફ છે? એમના માટે તો આ પ્રવૃત્તિ છે! રોજ બે ઢગલા કપડા કાઢીને અસ્ત વ્યસ્ત કરી, તેમને ઘડી કરવા આપો.
 
“પપ્પા આખો દિવસ ચાલ્યા કરે છે.” - તેમને બને તો બહાર થોડા સમય માટે ચાલવા લઈ જાવ. અથવા બેસીને કરવાની પ્રવૃત્તિ કરાવો, જેમ કે પત્તા રમવા, બોર્ડ ગેમ્સ રમવી, છાપા માંથી સમાચાર ના કટિંગ કાપવા.
 
“જમતી વખતે બહુ ઢોળે છે,” - સરસ વયસ્થ વ્યક્તિને શોભે એવુ બીબ (લાળિયું) બનાવો, અને વાપરો. દાળ લચકા જેવી બનાવો. નેપકીન પાથરો. અને પાછળથી સાફ કરવા માટે સાધન અને તૈયારી રાખો.

“દસ વાર એનું એ ફરી ફરી પૂછે છે.” - આ બધું રોગના લીધે થાય છે. તેનું ખોટું લગાડવું અને તેના માટે દુખી થવું વ્યર્થ છે. આપણે દસ વાર પ્રેમથી એજ જવાબ આપવો, અથવા એમને રસ પડે એવો પ્રશ્ન પૂછી વાતને વાળવી.
 
ઘણી વાર શું ખોટું છે અને શું સારું છે તે બીજા શું વિચારશે તે મનમાં રાખી ને નક્કી થતું હોઈ છે. આમ કરવાથી સંભાળનાર પોતાની ચિંતા (anxiety) નો વધારો કરે છે. જે બીજા છે, એમને સમજવું જોઈએ કે વ્યક્તિને ડિમેન્શિયા થાય ત્યારે તેમની દુનિયા આપડી દુનિયા ના નિયમ થી ચાલવાની બંધ થઈ જાય છે. અને આપડે તેમની દુનિયા પ્રમાણે ચાલવાનો સમય આવે છે. સરળ ગુજરાતીમાં લખાયેલું આ પુસ્તક તેમેણ વાંચવા આપો જેથી તે હકીકત સમજી શકે.
 
ખરેખર, ડિમેન્શિયા ની અઘરી સાર સંભાળ નો મંત્ર છે, બને એટલું જતું કરવું, સ્વીકારી લેવું, અને નિત્ય નવા હોશ થી રોગ નો સામનો કરવો. જે કામ શાંતિ થી થશે એ નિયંત્રણ કરવા થી અથવા દુખી થવાથી નહીં થાય.

યાદોં કી બારાત ફિલ્મનું ગીત છે, "જાને દો યાર, - I love you..." યાદ રાખશો ને?

તમારા કમેન્ટ તથા પ્રશ્ન આવકાર્ય છે. પોસ્ટ ઉપયોગી લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહી.

0 Comments

ડિમેન્શિયા અને હકીકત

2/9/2019

2 Comments

 
Picture
 જયારે ડિમેન્શિયા વાળી વ્યક્તિ કઈ અજુકતું કહે, તેમની વાત હકીકત ના હોઈ, ત્યારે તેમને સત્યનો એહસાસ કરાવવો નહીં. સાચા ખોટા ની સલાહ આપવી નહી, તેમને ખબર નથી પડતી તેવો એહસાસ કરાવવો નહીં અને તેમને ખોટું બોલવા માટે ઠપકો આપવો નહીં. જે વ્યક્તિ ને સવારે શું ખાધું તે યાદ રહેતું નથી, ખાધું હતું કે નહી, એ પણ ખબર નથી, તો તેની વાત ખોટી છે તેવું તેમને સમજણ પાડવા માટે કરેલી મહેનત નકામીજ છે. તદુપરાંત, આવા  સત્યવાદી પ્રયોગો થી તેમને દુઃખ થઈ શકે છે, ઓછુ આવી શકે છે, અને આ કારણે તેમનું વર્તન વધારે બગડી શકે છે.
 
તે કહે છે કે તેમના (ગુજરી ગયેલા) મમ્મી, તેમને સાંજે ઘરે લઈ જશે. ત્યારે મમ્મી તો 10 વર્ષ પહેલા દેવ થઈ ગયા છે તેવું જણાવવાથી શું ફાયદો? તમારા મમ્મી કેવા છે? શું પહેરતા હતા, તમે શું રમતા હતા, આમ જુદી દિશામાં વાતને વાળવાનો પ્રયત્ન થઈ શકે.
 
તે કહે છે કે મારી બંગડી ચોરાય ગઈ છે, તો ચાવી બતાવો અને કહો કે તમે, લોકરમાં મૂકી છે. અથવા એક ખોટી બંગડી નો સેટ લાવીને બતાવો
 
તે તેઓ તમને જાત જાત ના કડવા વેણ બોલે છે. તો ઉશ્કેરાય ને સામું બોલી નાખવું નહીં. થોડા સમય માટે બીજા રૂમ માં જઈ હસતા મોઢે પાછા આવવું.
 
જ્યાં મગજની અંદરના તંતુઓ ખોટા થઈ ગયા છે, ત્યાં ઠપકો આપી, સત્ય બતાવવાથી કઈ વળે નહી, ફક્ત વધારે લાંબી તકલીફ થાય. શાંતિથી કામ કરવામાં વધુ સમજદારી છે.

જે બધા ડિમેન્શિયા વળી વ્યક્તિનું ધ્યાન રાખે છે, તેમનું કામ ખરેખર અઘરું છે. જરા જતું કરી, કામ થોડું સહેલું બની શકે.

2 Comments

હું હાજર છું

26/8/2019

0 Comments

 
Picture
ઘણી વાર ડિમેન્શિયા વાળી વ્યક્તિની સામે બીજા તેમના વિષે તે હાજર નથી તેવી રીતે વાત કરવા માંડે છે. આવું જો આપડી સાથે કોઈ કરે તો આપણને ગમે? ધ્યાનમાં રાખવું કે વ્યક્તિ બોલે નહિ તો સમજતા નથી તેવું માની લેવું ના જોઈએ. વ્યક્તિ ઘણી વાર પોતાના ભાવ અને લાગણીઓ જણાવવા માટે અસમર્થ હોઈ છે. તે બરાબર શબ્દ શોધી તેનો પ્રયોગ કરી શકતા નથી.

તેમની અવગણના અથવા ઉપેક્ષા થાય તો તેમને દુઃખ થઈ શકે, ઓછુ આવી શકે. કદાચ તે આનાથી ગુસ્સે પણ થાય. અને આ બધું તેમની મનોવસ્થા અને વર્તન પર અસર કરી શકે છે.

ડિમેન્શિયા માં સંભાળ રાખનાર ના વર્તન અને વલણની વ્યક્તિ પર ઘણી અસર થતી હોઈ છે. તેમની હાજરીમાં જો વાત ચાલતી હોઈ તો તેમનો બને એટલો સમાવેશ કરવો. તેમની ટીકા તેમના સામે કરવી નહીં. તેમના વર્તન તથા તેના લીધે થતી તકલીફ નો ઉલ્લેખ એમના સામે કરવો નહીં. એમનું માન જળવાય રહે તે રીતે વર્તવું.

ડિમેન્શિયા વિષે વધુ જાણવાથી તેની કાળજી લેવામાં તમને મદદ થશે. જે સ્થિતિ છે તેનો શાંતિ અને સમજણ સાથે સામનો કરવો હેતાવર છે.


0 Comments

નિદાનનો ડર શા માટે

18/8/2019

0 Comments

 
Picture
નાની મોટી યાદશક્તિ ની તકલીફ થાય, રોજના સામાન્ય કાર્યોમાં ભૂલો થાય, વ્યવહાર બદલાય, આ બધાનું કારણ કોઈ વાર ડિમેન્શિયા હોય છે.  ડિમેન્શિયા ના નિદાન ની વાત થી પણ ઘણી વ્યર્થ બીક હોઈ છે. ખરેખર તો નિદાન પહેલા જે વ્યક્તિની સ્થિતિ છે, તેજ સ્થિતિ તેની નિદાન પછી પણ છે.

જે રોગ છે એ નિદાન થી બદલાતો નથી.

ફરક એટલો છે કે રોગ કયો છે તેની જાણ થાય તો તેનો પ્રતિકાર કેમ કરવો તેની સમજણ મેળવવાનું કાર્ય આરંભ કરી શકાય. આગળના જીવનનો પ્રવાસ કેવો રહેશે તેની અટકળ કરી શકાય અને તેના માટે તૈયારી કરી શકાય.

જે પ્રગતિશીલ (progressive) ડિમેન્શિયા છે, તેનો ઈલાજ નથી, પણ તેની સાર સંભાળ સરખી રીતે કરવાથી ડિમેન્શિયા વાળી વ્યક્તિ તથા તેમના સંભાળનાર ની આગળની યાત્રા ઘણા અંશે સરળ બની શકે છે.

ઘણી વાર એવું પણ બને કે જે લક્ષણ જોવા મળે છે તેનુ કારણ ડિમેન્શિયા નહીં પણ બીજું હોઈ અને તેનો ઈલાજ કરી શકાય. નિદાન મેળવવા નો પ્રયત્ન કરવા થી આ બધા જવાબ મળી શકે.


0 Comments

વિશ્વ અલ્ઝાઇમર્સ મહિનામાં એક શ્રેષ્ઠ પુસ્તક

26/9/2018

0 Comments

 
આ વર્ષે 14 થી 16 સપ્ટેમ્બરે બેંગલોર ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ ડિમેંટીયા સિમ્પોઝિયમમાં મેં હાજરી આપી હતી. છેલ્લા થોડા વર્ષોથી ARDSI (અલ્ઝાઇમર્સ અને સંબંધિત ડીસીસ સોસાયટી ઓફ ઇન્ડિયા) દ્વારા યોજાયેલી આ વાર્ષિક ઇવેન્ટમાં હું ભાગ લેતી રહી છું, પરંતુ બીજા કોન્ફરન્સને કારણે ગયા વર્ષે ચૂકી ગઈ હતી. આ વર્ષે વિવિધ રસપ્રદ અને નવીન બાબતોમાં, ત્યાં બે વક્તવ્ય હતા જે ખરેખર નોંધપાત્ર હતા. સૌપ્રથમ સ્વપ્ના કિશોર અને સૌમ્યા હેગડે દ્વારા પ્રસ્તુતિ, જેમા ડિમેંશીયાના નિદાન વિષેના અનુભવો ની ચર્ચા કરવામાં આવી.

બીજું, તેમની પત્નીની ડિમેન્શિયા દરમિયાન સંભાળ રાખનાર, વિંગ કમાન્ડર સભરવાલ (retd.) દ્વારા લખાયેલ પુસ્તક, "હેન્ડલિંગ અલ્ઝાઇમર્સ વિથ કરેજ"  (અલ્ઝાઇમર્સ સાથે હિંમત થી કામ)" નું વિમોચન કરવામાં આવ્યું હતું. બેંગલોરથી પાછા ફર્યા પછી મેં પુસ્તક વાંચ્યું અને તે ખરેખર ખૂબ જ સારી રીતે લખેલું છે. આપડણી પાસે ખૂબ ઓછું સાહિત્ય ઉપલબ્ધ છે જે ભારતીય સંદર્ભમાં ડિમેન્શિયાની મુશ્કિલ મુસાફરી વિશે વાત કરે છે, અને આ પુસ્તક આ ખામી પૂરી પડે છે. 21 સપ્ટેમ્બરના રોજ તેલંગણાના ગવર્નર દ્વારા હૈદરાબાદમાં આ પુસ્તકનું હિન્દી વર્ઝન રિલિઝ કરવામાં આવ્યું હતું. આશા છે કે ટૂંક સમયમાંજ ગુજરાતીમાં પણ આ પુસ્તક ઉપલબ્ધ થશે. આ જગ્યા જોતા રહો !
Picture
ડિમેન્શિયા નું સાચું અને સચોટ શબ્દચિત્ર
Picture
વિંગ કમાન્ડર સભરવાલનું પ્રવચન
Picture
પુસ્તક હિન્દીમાં પણ ઉપલબ્ધ
0 Comments

અમદાવાદમાં વૃદ્ધોની સલામતીનો પ્રશ્ન

26/12/2017

0 Comments

 
Picture
વૃધ્ધો માટે સલામતી ઘણી વાર મોટો પ્રશ્ન બની શકે છે.  અશક્ત હોવાના કારણે તેમના પર જો ઘાતક હુમલો કરવામાં આવે તો તેનો સામનો તે કરી શકતા નથી.  ઘણી વાર સલામતી માટે બરાબર પગલા પર તેમનું ધ્યાન રહેતું નથી અને ખોટી વ્યક્તિ પર પણ તેઓ વિશ્વાસ કરવાનું વલણ રાખે છે. મર્યાદિત સામાજીક ક્રિયાપ્રતિક્રિયા, હુમલાખોરને વિશ્વાસ આપે છે કે કોઈને જલ્દી ઘટનાનો અણસાર નહી આવે. વૃધ્ધો કપટીઓના માટે એક આકર્ષક લક્ષ્ય બને છે અને તેમને ખોટા રોકાણના સોદા અથવા અન્ય નાણાકીય કૌભાંડમાં ફસાવવામાં આવે છે.

સમાજને વૃધ્ધો માટે આધાર  બનાવવાની જરૂર છે જેથી તેઓ તેમના સુવર્ણ વર્ષોમાં આવા દુષ્ટ કામોનો શિકાર બને નહી. ખરેખર, બધાને વાસ્તવિક અર્થમાં પાડોશી બનવાની જરૂર છે - એવા પાડોશી જે તેમના વિસ્તારમાં રહેલા અન્ય લોકોની ક્ષેમ-કુશળતા  વિષે ચિંતિત હોય છે. સમાજના દૈનિક જીવનમાં વૃદ્ધોને સમાવી લેવાની જરૂર છે. તેમના ૪૦ અને ૫૦ ના દાયકામાં જે પ્રવૃત્તિઓ તે કરતા હતા તેમાં ભાગ લેવા માટે કદાચ તેઓ સક્ષમ ન રહે તો બીજી રીતે તેમનો સમાજમાં અને રોજના કાર્યોમાં સમાવેશ કરવો જરૂરી છે.

ઘણી વાર લોકો મને કહે છે કે વૃદ્ધોની સમસ્યાઓ તો પશ્ચિમી સમસ્યા છે, કારણ કે ભારતમાં સંયુક્ત પરિવારો છે. સત્ય એ છે કે ભારતમાં પણ મોટી સંખ્યામાં વૃદ્ધો હોય છે જેમને વિવિધ મુદ્દાઓનો સામનો કરવો પડે છે જેના માટે  તેમને મદદની જરૂર છે. પછીના વર્ષોમાં દરેક વ્યક્તિને તેમના જીવનની ગુણવત્તા જાળવી રાખવા માટે પરિવારના સભ્યોની સહાય નથી હોતી. પ્રેમાળ અને કાળજી રાખનાર ઘણી પેઢીનું બનેલું પરંપરાગત ભારતીય સંયુક્ત પરિવારની સુંદર કલ્પનામાં માનવુ, તે શાહમૃગની જેમ રેતીમાં માથુ છુપાવવા જેવુ છે. આપણે સત્યનો સ્વીકાર કરીએ, જાગ્રત થઈએ, તો આગળ ઘણા કાર્ય કરી શકાય. આ આંખ ખોલનાર લેખ, "અમદાવાદના વરિષ્ઠ નાગરિકો કેટલા સલામત છે", તે અમદાવાદમાં વૃદ્ધો સામેના ગુનાઓ વિષે છે.

Read this post in English

0 Comments

ડિમેન્શિયા વિષે પ્રથમ ગુજરાતી વિડિઓ

10/5/2017

0 Comments

 
ડિમેન્શિયા કોઈને પણ થઈ શકે. પણ ઘણા લોકો ડિમેન્શિયા વિષે જાણતા નથી હોતા અને તેથી ડિમેન્શિયાના લક્ષણ શું હોઈ તે સમજી શકતા નથી. ડિમેન્શિયા વિષે ગુજરાતીમાં થોડી પ્રારંભિક જાણકારી આપતો એક નાનો વિડિઓ બનાવી અને YouTube તથા WhatsApp પર મુક્યો છે. વિડિઓ જરૂર શેર કરજો. આટલું તો સૌને જાણવું જરૂરી છે. આશા છે કે એ વિડિઓ જોઈ ડિમેન્શિયા વિષે વધારે જાણવા માટેની પ્રેરણા મળશે.
 
વિડિઓ જોયા પછી વધારે માહિતી જોઈએ તો તે મારા ગુજરાતી પુસ્તક, "ચિતડું ચોરાયું" માંથી મળી શકે છે. આ વેબસાઈટ પર થી બને તેટલી વધારે માહિતી મળે તે માટે નો મારો પ્રયત્ન ચાલુ છે. બીજા વિગતવાર વિડિઓ બનાવવાનું કામ પણ હાથ ધર્યું છે.
 
ડિમેન્શિયા જેવા રોગ માટે વહીવટ અને વ્યવસ્થા એ સાર સંભાળ ના અગત્યના અંગ છે. ડિમેન્શિયા માં વહીવટ, વ્યવસ્થા અને સાર સંભાળ સારી રીતે કરવા માટે રોગને સમજવો જરૂરી છે. આ તબીબી પ્રકારની સમજણ નથી, પરંતુ રોગના વિશિષ્ટ વર્તણૂક અને વ્યવહારની સમજણ છે.
 
વિડિઓ જોઈ તમારા ટીકા-ટિપ્પણ જરુર થી care@varishta.org પર મોકલજો અથવા વેબસાઈટ પરનું કોન્ટેક્ટ ફોર્મ વાપરજો
0 Comments

નિદાન અને ભય

22/5/2016

0 Comments

 
Picture
વહેલું નિદાન થવાથી અલ્ઝાઇમર્સ રોગ તથા અન્ય પ્રકારના ડિમેન્શિયા વાળી વ્યક્તિઓ ને ઘણી મદદ થાય છે. કમનસીબે નિદાન મેળવવામાં ઘણા વિઘ્ન આવતા હોઈ છે. કોઈ વાર વ્યક્તિ અથવા તેના કુટુંબીજનો ડોક્ટર સાથે સમસ્યા વિષે વાત કરતા અચકાઈ છે, તો ઘણી વાર ડોક્ટર નિદાન કરતા અચકાઈ છે. આવી નિદાન મેળવવા પ્રત્યેની અનિચ્છા પાછળ નું એક કારણ એ માન્યતા હોઈ છે કે નિદાન એક અંતિમ દુઃખદાયક ચુકાદો છે જેના પછી આગળ કશુજ કરી શકાશે નહીં. આ ખોટી માન્યતા છે. નિદાન થવાથી રોગને સમજી અને તેની અસર વિષે જાણી શકાય છે. આગળના જીવનને વધારે સરળ બનાવવા માટે દવાઓ ની મદદ લઈ શકાય છે, દવા વગરની થેરાપી / ઉપચાર, થઈ શકે છે. કઠીન સમયમાં માનસિક સમતા જાળવવામાં અને રોજીંદા કાર્યમાં કઇંક ટેકો મળી શકે છે. આમ કરવાથી, રોગ આગળ વધે ત્યારે પણ જીવન થોડા અંશે વધુ સરળ અને સારું બની શકે છે. નિદાન થાય કે ના થાય. રોગ તો રહેવાનો ને રહેવાનોજ છે. ફર્ક એટલો કે નિદાન વગર આવનારી સ્થિતિ માટેની વ્યવસ્થા તથા પ્રબંધ ના પગલા થઈ શકાતા નથી.
 
ડોક્ટરની સલાહ લેવામાં અડચણ રૂપ થતા ભ્રમ અને ડરની વાત વિષે એક લેખમાં વાત કરવામાં આવી છે. એક સર્વે પ્રમાણે ઘણા ડોક્ટર પાસે એટલા માટે જતા નથી હોતા કે તેમને એવું લાગે છે કે નિદાન થી તેમનું “જીવન સમાપ્ત થઈ ગયું” છે, તેવો અણસાર નીકળશે.
 
આ તર્કવિસંગત ભ્રમ છે, જેનો નાશ કરવો જરૂરી છે. કહેવાઈ છે કે જયારે વાવાજોડું આવે ત્યારે શાહમૃગ રેતીમાં પોતાનુ માથું નાખી દે છે. નિદાન નકારી નાખવાથી આવનારો વંટોળ ટળશે નહી. વહેલું નિદાન મેળવવાથી રોગના વિષે જાણકારી મેળવી શકાઈ છે, અને તેને મેનેજ કરવા માટેના ઉકેલ વિષે જાણી શકાઈ છે, જે આવનાર કઠીન પરિસ્થિતિ ના સમયમાં ખુબજ મદદરૂપ નીવડશે.

0 Comments

ડિમેન્શિયાના કારણની શોધ

22/11/2015

0 Comments

 
Picture
"તેમને શા કારણથી ડિમેન્શિયા થયો?" સામાન્ય પણે નિદાન પછી આ પ્રશ્ન ઘણી વખત પૂછવામાં આવે છે. કુટુંબના સભ્યો ભેગા થઈ વિવિધ કારણો સૂચવતા હોઈં છે, અને ઘણી લાંબી ચર્ચા કરવામાં આવે છે. "તેમના ડાયાબિટીસના કારણે થયું?  તેની ખાવાની આદતોને લીધે થયું? અને કદાચ સૌથી વધારે દુઃખજનક ટકોર, "તે મગજને વધારે કસતા ન હતા તેના કારણે આવું થયું."

વાસ્તવિકતા એવી છે કે મોટા ભાગના કિસ્સાઓમાં ડિમેન્શિયાનું કારણ અલ્ઝાઇમર્સ રોગ, લુઈ બોડી ડિમેન્શિયા, અથવા ફ્રન્ટો ટેમ્પોરલ ડિમેન્શિયા હોઈ છે. અને આ રોગોમાં મૂળભૂત કારણ ખરેખર કોઈ જાણી શકતું નથી. નિદાન મેળવ્યા  પછી આવી ચર્ચામાં સમય અને
શક્તિનો દુરુપયોગ કરવાના બદલે પરિસ્થિતિ સમજવામાં, અને સારી કાળજી માટે આયોજન કરવામાં ધ્યાન આપવું જોઈએ. એક કારણની શોધ કરવા બેસવું એ દોષનો ટોપલો નાખવાની જગ્યા ગોતવાના પ્રયાસ જેવું છે. આ પરિસ્થિતિમાં આ મદદ નહી કરે, અને માત્ર ખોટું કર્યાની ભાવનાઓ જાગ્રત કરે છે.

ફ્રન્ટો ટેમ્પોરલ ડીજેનરેશન એસોસિએશન, (Frontotemporal Degeneration Association) ની સાઈટ પર આ ખુબ સુંદર વાક્ય જણાવે છે કે નિદાનના સમયે ત્રણ "C" ધ્યાનમાં રાખવાના છે: હું તેનું કારણ નથી. હું તેને બદલી શકતો નથી; અને હું તેને નિયંત્રિત કરી શકતો નથી. (
I didn’t cause it. I can’t change it; and I can’t control it. )

0 Comments

August 07th, 2015

7/8/2015

0 Comments

 
Picture
ગુજરાતી બ્લોગ
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી અનુવાદના અભાવે બ્લોગ ઉપર હું કંઈ લખતી ન હતી, જો કે, મારી પાસે કહેવા માટે તો ઘણું બધું હતુ! આ વેબ-સાઈટની શરૂઆત કરવા પાછળનો મારો એક મુખ્ય ઉદ્દેશ ગુજરાતી વાંચનાર લોકો સુંધી પહોંચવાનો હતો કારણ કે અંગ્રેજીમાં તો ઈન્ટરનેટ પર ઘણી જાણકારી મળી શકે છે, પરંતુ ગુજરાતીમાં ડિમેન્શિયા વિષે ખુબ જ ઓછું સાહિત્ય ઉપલબ્ધ છે. ગુજરાતીમાં ભાષાંતર કરવા માટે મારે મદદની જરૂર હતી. તે, હવે મને ભરત દવે પાસેથી મળવા લાગી છે અને તેથી હું અંગ્રેજી અને ગુજરાતી એમ બન્નેવ ભાષાઓમાં એક સાથે હવે બ્લોગ કરી શકું છું. ગુજરાતીમાં અલ્ઝ્હીમર્સ વિષે માહિતી વેબસાઈટ પર મૂકી છે તે જરૂર વાંચશો. કોઈ વિશેષ માહિતી જોઈતી હોઈ તો મને જણાવજો, તે પૂરી પાડવાનો પ્રયત્ન કરીશ.

વરિષ્ઠ અને 'આશ્રય'
'વરિષ્ઠ'એ તાજેતરમાંજ 'આશ્રય' સાથે એક સમજુતી સાધી છે. 'આશ્રય'; અમદાવાદ શહેરમાં તકનિકી-સામાજિક ક્ષેત્રે બીઝનેસ ઇન્કયુબેટર છે. એટલે કે નવા સામાજિક વ્યવસાયીક સાહસોને પ્રોત્સાહન અને ટેકો આપનાર સંસ્થા. આશ્રયના માર્ગદર્શન અને સહાય સાથે જરૂરી સેવાઓને સમાજના લોકોની વચ્ચે પહોંચાડવાની કાર્ય-પ્રવૃત્તિને હાથ ધરવામાં આવશે. વરિષ્ટના ધ્યેય અનુસારની યોજનાઓ ને હકીકતની રૂપરેખા મળશે. આ નવા સાહસ ને ટેકો આપવા માટે હું તેમની આભારી છું.

વરિષ્ઠ અને કલામ
'આશ્રય'ના મંગલ-પ્રારંભ પ્રસંગે આપણા ભૂતપૂર્વ વિજ્ઞાની-રાષ્ટ્રપતિ સ્વ.ડો. એ પી જે કલામ સાહેબ તાજેતરના જ સમયમાં ઉપસ્થિત હતા. તે દરમિયાન જ્યારે તેઓએ આજુબાજુ ફરીને incubatees, 'નવસાહસિકો'ની મુલાકાત લીધી ત્યારે વરિષ્ટની સેવાઓ ના વિષે તેમની સાથે બે પળ વાત કરવાનો અવસર મને પ્રાપ્ત થયો હતો. મારા માટે, તે ક્ષણ આજીવન ભંડારિત સંસ્મરણ છે. થોડાક દિવસો પહેલા શિલોંગ ખાતે તેઓને જે કામ સૌથી વધારે પ્રિય હતું તે; વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરતા કરતા જ તેઓ આપણને છોડી ગયા.

અહી આપ આ પ્રસંગ બાબતે વધુ વાંચી શકશો.


0 Comments
<<Previous
    Subscribe to our newsletter

    Author

    દક્ષા ભટ્ટ

    Archives

    September 2019
    August 2019
    September 2018
    December 2017
    May 2017
    May 2016
    November 2015
    August 2015
    July 2015
    October 2014
    February 2014
    September 2013

    Categories

    All
    Dementia
    Memory Loss
    ડિમેન્શિયા
    વડીલો

    Donate now

    Picture

    RSS Feed

Contact us if you need counseling for Dementia. We provide counseling online in Gujarati & English.
ડિમેન્શિયા વિષે વધુ જાણવા માટે, અથવા સલાહ માટે અમારો સમ્પર્ક કરો. ફોન / ઓનલાઈન કૌન્સ્લીંગ ઉપલબ્ધ છે.
Contact us to learn more or to contribute to the cause.

Varishta is an initiative by Silversmile Eldercare Foundation, a not for profit company registered u/s 8 of the Companies Act 2013, created to spread awareness about dementia in the elderly caused by Alzheimer's and other diseases and  provide support for elders with dementia and their caregivers. Varishta provides information about dementia in Gujarati, and provides counseling and training about dementia in Ahmedabad, Gujarat.

Information provided by this site is intended to increase awareness, and is not a substitute for medical advice.
The graphics on the site are created by Daksha Bhat, or used with the permission of their respective owners, or under a creative commons license. Please do not copy or reuse any part of the site. You may contact us if you wish to use any content.